ભારે પડે
એક સાચું વેણ બોલું, ગામને ભારે પડે,
મૌન રાખું, એ ય મારા નામને ભારે પડે.
હાસ્યનું મ્હોરું લગાવી રોજ હું ફરતો રહું,
એ જ મ્હોરું ભીતરી આ રામને ભારે પડે.
રાહ જોતી રાધિકા બેઠી નદીના તટ ઉપર,
એ પ્રતીક્ષાનું વજન પણ શ્યામને ભારે પડે.
સૌ ખરીદાયા બજારે એક બોલી સાંભળી,
હું જ અણમોલો હતો, એ દામને ભારે પડે.
મ્હેક થઈને આ પરાગે વન બધું ખૂંદી વળે,
એ રઝળપાટ જ પછી તો ધામને ભારે પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #સત્ય #મૌન #સ્વમાન #રાધાકૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #CostOfTruth #Silence #SelfRespect #RadhaKrishna #ParagRatanpara