ભારત એટલે
લોકો પૂછે છે:
ભારત એટલે શું?
ભારત એટલે
ટ્રેનના જનરલ ડબ્બામાં
અજાણી સ્ત્રી માટે
ખસીને જગ્યા કરી આપતો
થાકેલો મજૂર.
ભારત એટલે
રસ્તા પરના ખાડામાં
પાણી ભરાય
ને એમાં કાગળની હોડી તરાવતાં
ત્રણ છોકરાં —
એક ટોપીવાળો,
એક ચોટલીવાળો,
એક ઉઘાડા માથાવાળો.
ભારત એટલે
ચૂંટણીમાં
ઝઘડતા પડોશીઓ,
ને રાતે
એકબીજાના ઘરે
દીવો માગવા જતી
એમની પત્નીઓ.
નકશામાં ભારત
મોટો દેશ છે;
પણ ખરેખર
એ આવી નાની નાની
વાતોમાં રહે છે —
જ્યાં કોઈ ઝંડો
ફરકતો નથી.
– પરાગ રતનપરા