બૌદ્ધિક વિકાસ
લોકો કહે છે,
મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
પહેલાં
હું ચાંદાને ‘મામા’ કહેતો,
હવે ‘પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ’ કહું છું.
પહેલાં
વરસાદમાં નાચતો,
હવે ‘મોન્સૂન અપડેટ’ જોઈને
છત્રી લઉં છું.
પહેલાં
બાના હાથની ખીચડીમાં
સ્વર્ગ હતું,
હવે એમાં
કાર્બોહાઇડ્રેટ દેખાય છે.
પહેલાં
મિત્ર રડે તો
હું ય રડતો,
હવે
‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ પર
લેક્ચર આપું છું.
ગઈ કાલે
મારા પાંચ વરસના દીકરાએ
ચાંદ સામે આંગળી ચીંધીને કહ્યું,
‘પપ્પા, મામા!’
મેં સુધારવા મોં ખોલ્યું,
ને પછી
ચૂપચાપ
એની આંગળી પકડી લીધી.
કદાચ
મારો વિકાસ
ત્યાંથી જ શરૂ થયો.
– પરાગ રતનપરા