← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બધું બરાબર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરમાં
હવે બધું સમયસર થાય છે.
દૂધ સમયસર આવે છે,
છાપું સમયસર આવે છે,
દવાની ગોળી સમયસર ગળાય છે.

કોઈ મોડું આવતું નથી
એટલે કોઈ રાહ જોતું નથી.

કોઈ ટીવીનું રિમોટ સંતાડતું નથી,
કોઈ ફ્રિજનું બારણું ખુલ્લું મૂકતું નથી,
કોઈ ભીનો ટુવાલ પલંગ પર ફેંકતું નથી,

એટલે
અમે બે જણ
હવે ઝઘડતાંય નથી.

રવિવારે સવારે
ફોન આવે છે અમેરિકાથી —
પંદર મિનિટ,
જેમાં દસ મિનિટ
નેટવર્ક જાય છે.

બાકીની પાંચ મિનિટમાં
અમે કહીએ છીએ:
“અહીં બધું બરાબર છે.”

અને ખરેખર,
બધું બરાબર જ છે —
એ જ તો
સહન નથી થતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપણ ડંખેઆગલો લેખ →મોડું ન લગાવો