બાપુનો અવાજ
વહેલી સવારે
બાપુ
ઓસરીમાં બેસી
ગાયત્રી બોલતા.
એમનો અવાજ
ઘરની ભીંતો પર
ચૂનાની જેમ ચડી જતો,
ને આખો દિવસ
ઘર
ધોળું ધોળું લાગતું.
હવે બાપુ નથી.
હું
એમની જ ખુરશીમાં બેસી
એ જ મંત્ર બોલું છું.
મારો અવાજ
ભીંત સુધી પહોંચતો નથી;
અડધે રસ્તે
ગળામાં
અટકી જાય છે.
દીકરો
રસોડામાંથી બોલે છે:
‘પપ્પા, તમે તો
દાદા જેવું જ બોલો છો!’
ત્યારે
મને સમજાય છે —
અવાજ
ભીંત પર નહીં,
લોહીમાં ચડે છે.
– પરાગ રતનપરા