← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અસાધારણ પળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આખી રાત
હિસાબ મેળવતો રહ્યો —
લોનના હપ્તા,
દીકરીની ફી,
બાની દવા,
ને મારી ઊંઘ.
કશું મેળ ખાતું નહોતું.

પરોઢે
બારી પાસે ઊભો રહ્યો.
સામેના ઝાડ પર
એક ચકલી
પોતાનાં બચ્ચાંને
ચાંચમાં ચાંચ નાખી
દાણો ખવડાવતી હતી.

એની પાસે
ન ખાતું, ન બૅન્ક,
ન આવતીકાલની ચિંતા —
બસ, એક દાણો
ને ચાર ખુલ્લી ચાંચ.

એ એક પળ
મેં કાગળ પર
ઉતારવા પ્રયત્ન કર્યો,
પણ કલમ
ચકલીની જેમ
અટકી ગઈ.

હિસાબ
હજી મેળ નથી ખાતો,
પણ એ પરોઢથી
હું
એક દાણો
ને ચાર ચાંચ
ગણતો થયો છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅંગાર પરઆગલો લેખ →જૂનું ઘર