← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અંજળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદા કહેતા,
‘જેનું જ્યાં અંજળ,
ત્યાં એ પહોંચે.’

એમનું અંજળ
ગામના કૂવામાં હતું.
એ ત્યાં જ જીવ્યા,
ત્યાં જ ગયા.

બાપુનું અંજળ
શહેરના નળમાં હતું.
એ ગામ છોડીને
ગયા,
ને ત્યાં જ રહ્યા.

મારું અંજળ
પ્લાસ્ટિકની બોટલમાં છે —
હું
દિલ્હી, દુબઈ, ડલાસ
ફરતો રહું છું,
ને દરેક ઍરપૉર્ટે
નવી બોટલ ખરીદું છું.

ક્યારેક વિચારું છું,
મારા દીકરાનું અંજળ
ક્યાં હશે?

કદાચ
વરસાદના ટીપામાં —
જે ગમે ત્યાં પડે,
ને ગમે ત્યાં
ઘર કરી લે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાણસ તો વ્હાલોઆગલો લેખ →માળા