અભાવ
તારા ગયા પછી
પલંગની તારી બાજુ
સપાટ રહેતાં શીખી ગઈ છે;
ઓશીકામાં
હવે ખાડો પડતો નથી.
બારીનો પડદો
હવે અડધો જ ખૂલે છે —
તું આખો ખોલતી,
હું અડધો.
રસોડામાં
એક જ કપ ધોવાય છે,
ને એ કપ પણ
ઘણી વાર
અડધો પીધેલો રહી જાય છે.
લોકો કહે છે:
સમય બધું ભરી દેશે.
પણ સમય
દરજી નથી, સખી;
એ તો ધૂળ છે —
ખાડા ભરતો નથી,
બસ
ઢાંકી દે છે.
– પરાગ રતનપરા