આંસુઓ
ઓશિકું ભીનું થયું, ને રોજ છાનાં આંસુઓ,
દીકરો પરદેશ ઊડ્યો, ત્યાં જ માનાં આંસુઓ.
એક ફુગ્ગો ફૂટતાં તો આભ ધ્રૂજ્યું ઘર મહીં,
કેટલાં મોટાં હતાં એ સાવ નાનાં આંસુઓ!
ચાલુ થ્યો જ્યાં કેમરો, ત્યાં આંખ નેતાની ઝરી,
વોટ લેવાનાં હતાં એ તો બહાનાં, આંસુઓ.
ઝેર પીધું તોય મીરાં ગીત ગાતી ઝૂમતી,
હાસ્ય સાથે જે ટપકતાં, એ દિવાનાં આંસુઓ!
આ પરાગે શબ્દ મૂક્યો આખરી જ્યાં કાગળે,
આંખથી ઝરતાં ગઝલનાં બે મજાનાં આંસુઓ.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #મા #મીરાં #લાગણી #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #MothersTears #Meera #KindsOfTears #ParagRatanpara