← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનો વેપાર

વાઈનબર્ગનું નિશાન

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૪૪

કોઈ પણ ભાષણ, પુસ્તક કે સલાહની સાચી નિષ્ફળતા કઈ? તમે ખોટી માહિતી આપી એ નહીં. લોકો તમારા તર્ક સાથે અસંમત થયા એ પણ નહીં. સાચી નિષ્ફળતા એ છે કે તમારી વાત સાંભળ્યા પછી સામેવાળા માણસનો એ વિષય પરનો ઉત્સાહ જ મરી જાય. જે વિષય પ્રત્યે એને પહેલાં થોડોઘણો રસ હતો, તમારા લાંબા પ્રવચન પછી એ તદ્દન ઠંડો પડી ગયો. એ વિષયને એણે કાયમ માટે તિલાંજલિ આપી દીધી. આ નિષ્ફળતાને પારખવાની કસોટી એટલે વાઈનબર્ગનું નિશાન.

આ વિચાર અમેરિકન કન્સલ્ટન્ટ અને લેખક ગેરાલ્ડ વાઈનબર્ગે પોતાના ૨૦૦૫ના પુસ્તક ‘વાઈનબર્ગ ઓન રાઇટિંગ’માં આપ્યો હતો. વાઈનબર્ગે અધ્યાપકો અને લેખકો માટે એક કડક સીમારેખા દોરી હતી. એમણે કહ્યું કે જો કોઈ શ્રોતા તમારા ક્લાસમાંથી બહાર નીકળીને વિષયને ધિક્કારવા માંડે, તો તમે નિષ્ફળ ગયા છો. તમારું લક્ષ્ય માત્ર ડહાપણ વહેંચવાનું નથી. વિષય પ્રત્યેની જીજ્ઞાસા જીવતી રાખવાનું છે.

આપણે ઘણી વાર બુદ્ધિશાળી સાબિત થવાની લ્હાયમાં ઉત્સાહનો ઘડો લાડવો કરી નાખીએ છીએ. જ્ઞાન પીરસવાની એવી શુષ્ક અને ભારઝલ્લી રીત અપનાવીએ છીએ કે સાંભળનાર થાકી જાય. પરિણામ એ આવે કે માણસ વિષયથી જ કાયમ માટે મોં ફેરવી લે છે. અજ્ઞાન ક્ષમ્ય છે, પણ બીજામાં જિજ્ઞાસાનો વધ કરી નાખવો અક્ષમ્ય ગુનો છે.

આપણા સમાજમાં લગ્ન અને સગાઈના મામલે આ રોજ બને છે. ધારો કે એક યુવાન લગ્ન કરવા માટે ઉત્સુક છે. કુટુંબના એક વડીલ એને સલાહ આપવા બેસે છે. નાત-જાતના પંચાતી નિયમો, ખોટા સામાજિક ખર્ચાઓ, કડવા અનુભવો અને અસહ્ય બંધનોનું એવું ઝેર ઓકે છે કે યુવાન ગભરાઈ જાય છે. બે કલાકના એ ત્રાસદાયક પ્રવચન પછી છોકરો નક્કી કરે છે કે આખી જિંદગી કુંવારા રહેવું સારું, પણ લગ્ન નથી કરવાં. વડીલે લગ્ન સંસ્થાનું એવું નિરાશાજનક ચિત્ર ઊભું કર્યું કે છોકરાનો આખો રસ જ ઊડી ગયો. વડીલ પોતે સાચા હોઈ શકે, પણ એક સામાજિક માર્ગદર્શક તરીકે પૂરેપૂરા નિષ્ફળ ગયા.

જે જ્ઞાન માણસના મનમાંથી રસ અને ઉત્સાહ છીનવી લે, એ જ્ઞાન નથી પણ વિષાદનો વાયરસ છે.

વિચારનો વેપાર
← પહેલું પ્રકરણવાઈનબર્ગ ટેસ્ટઆગલું પ્રકરણ →વાઈનબર્ગનો જોડિયા નિયમ