પ્રોફાઇલ આધારિત અસ્તિત્વ
માણસ પોતાની ઓળખ કેવી રીતે નક્કી કરે છે? એક જમાનો હતો જ્યારે તમારી ઓળખ તમારી નિષ્ઠા અને કુળથી નક્કી થતી. પછી આવ્યો પ્રમાણિકતાનો યુગ, જ્યાં માણસે કહ્યું કે હું અંદરથી જેવો છું તેવો જ બહાર રહીશ. હવે ત્રીજો યુગ શરૂ થયો છે. આ યુગમાં તમે પોતે કોણ છો એ મહત્ત્વનું નથી, પણ ડિજિટલ જગતમાં તમારી પ્રોફાઇલ કેવી દેખાય છે અને અજાણ્યા લોકો તેને કેવી રીતે મૂલવે છે, એ જ તમારું સાચું વજૂદ બની ગયું છે. આ માનસિક અવસ્થાને ફિલોસોફીમાં પ્રોફિલિસિટી કહેવામાં આવે છે.
આ વિચાર ફિલસૂફ હંસ-જ્યોર્ગ મોઈલર અને પોલ ડી'એમ્બ્રોસિયોએ પોતાના પુસ્તક 'યુ એન્ડ યોર પ્રોફાઇલ'માં રજૂ કર્યો હતો. એમનો તર્ક બહુ ધારદાર છે. પહેલાં આપણે બીજા લોકો આપણા વિશે શું વિચારે છે તેની ચિંતા કરતા હતા. હવે આપણે એ ચિંતા કરીએ છીએ કે એક અદ્રશ્ય, અજાણી ભીડ આપણી પ્રોફાઇલ વિશે શું ધારે છે. તમે જીવો છો તમારા અંગત અનુભવ માટે નહીં, પણ એ અનુભવનો સ્ક્રીનશોટ કેવો પડશે તે બતાવવા માટે. ઓળખ હવે જીવવાની ચીજ નથી રહી, માર્કેટિંગનું ઉત્પાદન બની ગઈ છે.
દલાલ સ્ટ્રીટ અને ફાઇનાન્સની દુનિયામાં આ રોગ સૌથી વધુ વકર્યો છે. ધારો કે રાજકોટનો એક નવયુવાન ટ્રેડર છે, નીતિન. એ શેરબજારમાં રોકાણ નફો કમાવા કે સંપત્તિ સર્જવા નથી કરતો. એનો અસલ ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પર 'ફિન-ઇન્ફ્લુએન્સર' બનવાનો છે. સવારે નવ વાગ્યે માર્કેટ ખૂલે ત્યારે એના મગજમાં એનાલિસિસ કરતાં વધુ એ ગણતરી ચાલતી હોય છે કે સાંજે કેવો ગ્રીન પીઍન્ડએલ સ્ક્રીનશોટ મૂકી શકાશે. ખોટ જાય તો છુપાવવાની અને સામાન્ય નફો થાય તો તેને વિરાટ વિજય તરીકે પેશ કરવાનો. એ સાચો ટ્રેડર નથી રહ્યો; એ ટ્રેડરની ભૂમિકા ભજવતો એક કન્ટેન્ટ ક્રિએટર બની ગયો છે.
જ્યારે અસલિયત કરતાં પ્રોફાઇલ મોટી થઈ જાય, ત્યારે માણસ પોતાની જ બનાવી કાઢેલી છબીનો ગુલામ બની જાય છે. તમે જે નથી, તે સતત સાબિત કરવાનો થાક આખી જિંદગી ચૂસી લે છે. માણસ નફો કરે કે ખોટ, શાંતિ ક્યારેય મળતી નથી, કારણ કે અદ્રશ્ય પબ્લિક પાસેથી સતત તાળીઓ મેળવવાની ભૂખ ક્યારેય સંતોષાતી નથી.
અરીસો તો જૂઠું બોલી શકે નહીં, પણ પ્રોફાઇલ ક્યારેય સાચું બોલતી નથી.