મિસમેચ ઇફેક્ટ
મોટી છલાંગ મારવી હંમેશાં બહાદુરી નથી હોતી, ક્યારેક એ આપઘાત સાબિત થાય છે. માણસ જ્યારે પોતાની ક્ષમતા કે તાલીમ કરતાં અતિશય ઊંચા માહોલમાં પહોંચી જાય ત્યારે તે ચમકતો નથી, પણ કચડાઈ જાય છે. આને મિસમેચ ઇફેક્ટ કહે છે. બહારથી લાગે કે વ્યક્તિને મોટો ફાયદો મળી ગયો, લૉટરી લાગી ગઈ. વાસ્તવમાં એ ખોટી જગ્યાએ પહોંચી ગયેલી મુસાફર જેવો બની જાય છે. મદદ કરવાના ઇરાદે આપવામાં આવેલું મોટું પ્લેટફોર્મ આખરે હતાશા, લઘુતાગ્રંથિ અને નિષ્ફળતાનું કારણ બને છે.
આ વિચાર શિક્ષણ અને કાયદા ક્ષેત્રમાં રિચાર્ડ સેન્ડર જેવા વિદ્વાનોના અભ્યાસો પછી ખૂબ ચર્ચાયો. જ્યારે કોઈ અનામત કે વિશેષ છૂટછાટ દ્વારા વિદ્યાર્થીને પોતાની વર્તમાન તૈયારી કરતાં અત્યંત કઠિન સંસ્થામાં મોકલી દેવાય, ત્યારે તે સામાન્ય સંસ્થામાં હોત તેના કરતાં પણ ખરાબ પ્રદર્શન કરે છે. મનોવિજ્ઞાન પણ આ જ વાત કહે છે: માણસની લાયકાત અને આસપાસના વાતાવરણની અપેક્ષાઓ વચ્ચેનું અંતર અતિશય મોટું હોય, ત્યારે આત્મવિશ્વાસ તૂટી જાય છે.
આ નિયમ ફક્ત કોલેજો કે નોકરી પૂરતો સીમિત નથી, માણસના રોજિંદા ઘરસંસારમાં પણ એટલો જ ક્રૂર રીતે લાગુ પડે છે. અપેક્ષાઓનું ખોટું મેચિંગ સંબંધોને કોરી ખાય છે.
સૂરતના એક સામાન્ય મધ્યમવર્ગીય ઘરમાં ઊછરેલી દક્ષિણાના લગ્ન મુંબઈના એક અબજોપતિ હીરાના વેપારીના દીકરા સાથે થાય છે. સમાજ કહે છે કે દક્ષિણાનું નસીબ ખૂલી ગયું, કન્યાદાન ફળ્યું. પણ ઘરમાં પગ મૂકતાં જ રમત બદલાય છે. સાસુની પાર્ટીઓ, નોકરોને સૂચના આપવાની અંગ્રેજી રીતભાત, ખાનપાનના નિયમો અને અપેક્ષિત સામાજિક ઢબ. દક્ષિણા મંદબુદ્ધિ નથી, પણ આ દુનિયાની ભાષા એને આવડતી નથી. દરેક ડાઇનિંગ ટેબલ એના માટે અદાલત બની જાય છે. પતિ સારો છે, પણ રોજ રાત્રે થતી સરખામણી દક્ષિણાને અંદરથી તોડી નાખે છે. પોતાના સ્તરના ઘરમાં જે સ્ત્રી ઘરની રાણી બનીને રાજ કરી શકી હોત, તે આ આલીશાન મહેલમાં કાયમ માટે એક ગભરાયેલી, લઘુતાગ્રંથિથી પીડાતી પુત્રવધૂ બનીને રહી જાય છે.
ખોટા ઊંચા આસને બેસવા કરતાં પોતાના માપના ઓટલે બેસવું સારું; પડી જવાનો ડર તો ન રહે.