લડાઈટ ભ્રમણા
નવી ટેકનોલોજી આવશે એટલે બધા બેકાર થઈ જશે, આ માન્યતા સદીઓ જૂની છે અને અર્થશાસ્ત્રમાં તેને એક જાણીતી ભ્રમણા ગણવામાં આવે છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં નેડ લડ નામના કાલ્પનિક નેતાના નામે કાપડ વણનારા કારીગરોએ મશીનો તોડી પાડ્યાં હતાં. તેમનો ડર હતો કે પાવરલૂમ આવશે તો માણસ ભૂખે મરશે. ત્યારથી મશીનોનો વિરોધ કરનારા 'લડાઈટ' કહેવાયા. અર્થશાસ્ત્રીઓએ આ ભયને ખોટો સાબિત કર્યો અને તેને 'લડાઈટ ભ્રમણા' નામ આપ્યું.
આ ભ્રમણાનું મૂળ એ ખોટી ધારણામાં છે કે દુનિયામાં કામનો જથ્થો નિશ્ચિત છે. વાસ્તવમાં ઉત્પાદન વધે એટલે વસ્તુ સસ્તી થાય છે. લોકોના પૈસા બચે છે અને એ બચેલા નાણાં નવી જરૂરિયાતો, નવા ઉદ્યોગો અને નવી સેવાઓ પાછળ ખર્ચાય છે. પરિણામે અગાઉ ક્યારેય અસ્તિત્વમાં નહોતી એવી લાખો નવી નોકરીઓ ઊભી થાય છે. જૂનું કામ છીનવાય ત્યારે પીડા ચોક્કસ થાય છે, પણ સમગ્ર અર્થતંત્રમાં રોજગારી કાયમ માટે ખતમ નથી થઈ જતી.
આપણે ત્યાં આઝાદીની લડત વખતે ગાંધીજીએ ખાદી અને ચરખાને આત્મનિર્ભરતાનું હથિયાર બનાવ્યા, જે રાજકીય રીતે અદ્ભુત પગલું હતું. પરંતુ સ્વતંત્રતા પછી પણ ઘણા નેતાઓએ આધુનિક ટેકનોલોજી અને ફેક્ટરીઓને શંકાની નજરે જોઈ. જ્યારે દેશમાં રેલવેના કમ્પ્યુટરાઇઝેશન કે પછી ૧૯૮૦ના દાયકામાં સરકારી બેંકોમાં કમ્પ્યુટર લાવવાની વાત આવી, ત્યારે લાખો કર્મચારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. સૂત્રો પોકારાયા કે કમ્પ્યુટર આપણા બાળકોની રોજીરોટી છીનવી લેશે. આજે એ જ બેંકોમાં વ્યવહારો અનેક ગણા વધ્યા છે અને ભારતે આખી દુનિયાને સોફ્ટવેર એન્જિનિયરો સપ્લાય કર્યા છે.
મશીન માણસના હાથમાંથી સાધન છીનવે છે, જીવન નથી છીનવતું. જ્યારે ટાઈપરાઈટર ગયું ત્યારે સ્ટેનોગ્રાફરો રોડ પર ન આવ્યા, તેઓ ડેટા એન્ટ્રી ઓપરેટર બની ગયા. ગાડાં ગયાં ત્યારે સારથિઓ ડ્રાઈવર કે મિકેનિક બની ગયા. તકલીફ ટેકનોલોજીની નથી, તકલીફ પોતાના જૂના કૌશલ્યને વળગી રહેવાની જીદની છે.
મશીન ક્યારેય માણસનું સ્થાન લેતું નથી, એ માત્ર આળસુ અને અપરિવર્તનશીલ માણસનું સ્થાન લે છે.