વારસાશાહી
આપણે જાતને છેતરવામાં પાવરધા છીએ. આપણે કહીએ છીએ કે દુનિયામાં ટેલેન્ટ અને મહેનતની કિંમત છે. જે સક્ષમ છે તે આગળ આવશે. આ સુંદર ભ્રમનું નામ મેરિટોક્રેસી છે. પણ વાસ્તવિકતા સાવ જુદી છે. મહેનત કરતા પણ વ્યક્તિનો જન્મ ક્યા ઘરમાં થયો છે તે તેની સફળતા નક્કી કરે છે. માબાપની તિજોરી તમારી પ્રતિભા કરતા મોટી સાબિત થાય છે. આ વ્યવસ્થાનું સાચું નામ વારસાશાહી છે. અહીં સ્પર્ધા સરખી લાઇન પરથી શરૂ જ થતી નથી.
આ વિચાર તાજેતરમાં બ્રિટિશ ઇતિહાસકાર અને લેખિકા એલિઝા ફિલ્બીએ તેમના પુસ્તકમાં લોકપ્રિય બનાવ્યો. તેમણે દર્શાવ્યું કે કેવી રીતે ઘરનું બેન્ક બેલેન્સ અને વારસાગત મિલકતો યુવા પેઢીના ભવિષ્યની મુખ્ય ધરી બની ગઈ છે. વ્યક્તિ ગમે તેટલો હોંશિયાર હોય, જો તેની પાછળ પિતાનું સુરક્ષા કવચ નથી, તો તે મોટો જુગાર રમી શકતો નથી. પોતાના દમ પર ઝીરોમાંથી હીરો બનવાની વાર્તાઓ હવે ફક્ત ફિલ્મો અને પ્રેરણાદાયી ભાષણોમાં સારી લાગે છે.
આ વલણ સમાજને અંદરથી સડાવી નાખે છે. જ્યારે આર્થિક વારસો જ અંતિમ લાયકાત બની જાય, ત્યારે પ્રતિભા હતાશ થઈ જાય છે. સરેરાશ બુદ્ધિ ધરાવતો માણસ વારસાના જોરે ટોચ પર બેસી જાય છે અને તેજસ્વી યુવાન લોનના હપ્તા ભરવામાં જ આખી જિંદગી વેડફી નાખે છે. આ આળસુ પૈસાની સત્તા છે. તે નવા વિચારોને કચડી નાખે છે અને જૂની જાગીરદારીને નવો મોભો આપે છે.
મેડિકલ ક્ષેત્ર આ રોગનું સૌથી મોટું ઉદાહરણ છે. બે યુવાનો એક સાથે એમડી થાય છે. એક સામાન્ય પરિવારનો છે, જેણે ભણવા માટે એજ્યુકેશન લોન લીધી છે. બીજો કોઈ જાણીતા સર્જનનો દીકરો છે. પ્રતિભામાં કદાચ પહેલો યુવાન ચડિયાતો છે. પણ ત્રીસ વર્ષની ઉંમરે બીજો યુવાન પોતાના પિતાની આઠ માળની હૉસ્પિટલમાં સીધો ચેરમેન કે સિનિયર કન્સલ્ટન્ટ બને છે. તેની પાસે અદ્યતન મશીનો અને તૈયાર દર્દીઓ છે. પહેલો ડૉક્ટર ભાડાનું નાનું ક્લિનિક ખોલવા કે મોટી હૉસ્પિટલમાં કલાકોના હિસાબે નોકરી કરવા મજબૂર બને છે. તેની આખી યુવાની લોન ચૂકવવામાં અને સ્ટેબલ થવામાં ખર્ચાઈ જાય છે. દર્દીઓ પણ મોટા બોર્ડ અને ઝગમગતી હૉસ્પિટલ જોઈને જ જાય છે. કૌશલ્ય હારી જાય છે, વિરાસત જીતી જાય છે.
તમારી ડિગ્રી તમારી હોઈ શકે છે, પણ પરિણામ હંમેશાં તમારા બાપની વગ નક્કી કરે છે.