← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · ભ્રમ અને ભેજું

ઉત્ક્રાંતિવાદી આધુનિકીકરણ સિદ્ધાંત

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૩

પેટ ભરેલું હોય ત્યારે જ માણસ આઝાદી અને આત્મસન્માનની વાતો કરે છે. ભૂખ્યો માણસ નિયમો, સલામતી અને વ્યવસ્થા શોધે છે. આ કોઈ ફિલસૂફી નથી, સમાજશાસ્ત્રનો ઠંડો નિયમ છે. રાજ્યશાસ્ત્રી રોનાલ્ડ ઇંગલહાર્ટે વર્ષોના વૈશ્વિક ડેટાના આધારે આ ઉત્ક્રાંતિવાદી આધુનિકીકરણ સિદ્ધાંત આપ્યો હતો. એમનો તર્ક સ્પષ્ટ હતો: જેમ જેમ સમાજ આર્થિક રીતે સુરક્ષિત બનતો જાય છે, તેમ તેમ તેના મૂલ્યો બદલાય છે. સમાજ અસ્તિત્વ ટકાવી રાખવાની જિદ્દમાંથી નીકળીને સ્વતંત્ર અભિવ્યક્તિ તરફ વળે છે.

ગરીબી અને અનિશ્ચિતતામાં જીવતો વર્ગ પરંપરા, ધર્મ અને સરમુખત્યાર જેવા મજબૂત નેતાઓને પકડી રાખે છે, કારણ કે તેને સુરક્ષાની ખાતરી જોઈએ છે. પણ જ્યારે નવી પેઢી આર્થિક સંપન્નતામાં મોટી થાય છે, ત્યારે એને રોટલીની ચિંતા નથી હોતી. એને વ્યક્તિગત સ્વાતંત્ર્ય, પર્યાવરણ અને સમાનતા જોઈએ છે. આધુનિકતા એટલે માત્ર ફેક્ટરીઓ કે ઊંચા રસ્તા નહીં, પણ મગજનું બદલાતું સોફ્ટવેર છે.

આ વાત આપણા આરોગ્ય ક્ષેત્રમાં અરીસાની જેમ ચોખ્ખી દેખાય છે. ત્રણ દાયકા પહેલાં કોઈ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દી જાય ત્યારે ડૉક્ટર એને ભગવાન લાગતો. ડૉક્ટર અડધો કલાક ઊભા રાખે, વઢે કે દવાનો કાગળ મોં પર ફેંકે તોય દર્દી હાથ જોડીને ઊભો રહેતો. ત્યાં પ્રશ્ન માત્ર જીવ બચાવવાનો હતો, સન્માનનો નહીં. સુરક્ષા સર્વોપરી હતી.

આજે મધ્યમ વર્ગની ખાનગી હોસ્પિટલમાં દ્રશ્ય પલટાઈ ગયું છે. આર્થિક રીતે સધ્ધર દર્દી કે એનો દીકરો ડૉક્ટરને ભગવાન નથી માનતો, સર્વિસ પ્રોવાઇડર માને છે. દર્દી પૂછે છે કે આ ટેસ્ટ કેમ કરાવ્યો? બીજી દવા કેમ ન આપી? મારી સંમતિ કેમ ન લીધી? જ્યારે અસ્તિત્વનો ભય ટળે છે, ત્યારે માણસ પોતાની ગરિમા અને સવાલ પૂછવાનો અધિકાર આગળ ધરે છે.

જે સમાજની થાળી ભરાઈ જાય છે, એ સમાજ પછી માત્ર સલામતીથી ધરાતો નથી; એને સન્માન જોઈએ છે.

ભ્રમ અને ભેજું
← પહેલું પ્રકરણએવરેસ્ટ થ્રેશોલ્ડઆગલું પ્રકરણ →પુરાવા તપાસવાની પદ્ધતિ