← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · મગજનો નકશો

કપડાંની દોરીનો વિરોધાભાસ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૮

અર્થશાસ્ત્રના ચોપડા બહુ વિચિત્ર છે. ત્યાં કુદરતનું કોઈ મૂલ્ય નથી, પણ કચરાનો હિસાબ છે. જો તમે તડકામાં દોરી બાંધીને કપડાં સૂકવો, તો જીડીપીમાં શૂન્ય ઉમેરો થાય છે. દેશની અર્થવ્યવસ્થાને લાગે છે કે કશું બન્યું જ નથી. પણ જો તમે મોંઘું ઇલેક્ટ્રિક ડ્રાયર ખરીદો અને વીજળી બાળીને કપડાં સૂકવો, તો તરત વેપાર વધે છે. વીજળી કંપની કમાય છે, મશીન બનાવનાર નફો કરે છે અને દેશનો વિકાસ આંકડો ઊંચો જાય છે. આ મૂર્ખામીને ‘કપડાંની દોરીનો વિરોધાભાસ’ કહે છે.

આ વિચાર સૌપ્રથમ ૧૯૭૦ના દાયકામાં અમેરિકન ઊર્જા વિશ્લેષક સ્ટીવ બેરે રજૂ કર્યો હતો. એમનો મુદ્દો સીધો હતો: જ્યારે મફત સૌરઊર્જા વ્યાપારી બળતણની જગ્યા લે છે, ત્યારે આંકડાશાસ્ત્ર તેને આર્થિક સંકોચન ગણે છે. તમે સ્માર્ટ બન્યા, પર્યાવરણ બચાવ્યું, પૈસા બચાવ્યા, પણ ગણતરીના ચોપડે તમે ગરીબ દેખાયા.

આ માત્ર કપડાંની વાત નથી. આ આખી સિસ્ટમની આંધળી રીત છે. તમે ઘરે રાંધો તો અર્થતંત્ર રડે છે, રેસ્ટોરન્ટમાં જઈને બીલ ફાડો તો તે હસે છે. માતા પોતાના બાળકને ઉછેરે તો જીડીપી સુન્ન રહે છે, પણ આયા રાખીને પગાર ચૂકવો તો વૃદ્ધિ નોંધાય છે. આખી અર્થવ્યવસ્થા માત્ર પૈસાની લેવડદેવડ ગણે છે, કુદરતી કાર્યક્ષમતા કે માનવીય સંભાળને નહીં.

અમદાવાદ કે સુરતની નવી હાઇરાઇઝ સોસાયટીઓ જુઓ. બિલ્ડરો આધુનિકતાના નામે બાલ્કનીમાં કપડાં સૂકવવા પર પ્રતિબંધ મૂકે છે. બિલ્ડિંગની ‘એસ્થેટિક્સ’ બગડવી ન જોઈએ. પરિણામે, ફ્લેટધારકો લાખ રૂપિયાનું વોશિંગ-ડ્રાયર વસાવે છે અને હજારો રૂપિયાનું બિલ ભરે છે. ગુજરાતનો ધગધગતો તડકો બાલ્કનીની બહાર ઊભો રહીને હસે છે, અને અંદર બેઠેલો મિડલ ક્લાસ માણસ માત્ર આધુનિક દેખાવા માટે વીજળીનું બિલ ભરીને દેશનો ‘વિકાસ’ વધારી રહ્યો છે.

જે સમાજ મફત સૂર્યપ્રકાશ છોડીને બિલ આપવાને પ્રતિષ્ઠા માને, એનું અર્થશાસ્ત્ર કદાચ સાચું હશે પણ મગજ ચોક્કસ સડી ગયું છે.

મગજનો નકશો
← પહેલું પ્રકરણનિકટતાનો સંવાદ ભ્રમઆગલું પ્રકરણ →ક્લબ ગુડ્સ