← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનાં હથિયાર

ઊંધો સ્ટેનફોર્ડ જેલ પ્રયોગ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૬૯

૧૯૭૧માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફિલિપ ઝિમ્બાર્ડોએ એક પ્રખ્યાત પ્રયોગ કરેલો. સામાન્ય કોલેજના છોકરાઓને નકલી વોર્ડન અને કેદી બનાવ્યા. પરિણામ ભયાનક આવ્યું. સત્તા હાથમાં આવતાં જ સાદા માણસો પણ અત્યાચારી બની ગયા. આ જૂની વાત છે. પણ આ 'ઊંધો સ્ટેનફોર્ડ પ્રયોગ' ક્યાંથી આવ્યો? કોઈ પુસ્તકમાં આ શબ્દ સીધો નોંધાયેલો નથી. આ આધુનિક મેનેજમેન્ટ ચર્ચાઓમાંથી ઊપજેલો વિચાર છે. વિચાર સરળ છે: જો કોઈને બહારથી વોર્ડન કે સુપ્રીમો બનાવી દો, પણ અંદરથી એને કેદી જેવી લાચારી આપી દો, તો શું થાય? ખોટો હોદ્દો અને શૂન્ય સત્તા.

આ આજના કોર્પોરેટ અને સંસ્થાકીય જગતનો સૌથી મોટો કટાક્ષ છે. માણસના ખભા પર સ્ટાર લગાવી દેવામાં આવે છે, પણ એના હાથ બાંધી દેવાય છે. એને લાગે છે કે એ કમાન્ડર છે, પણ ખરેખર એ માત્ર જવાબદારી વેંઢારતો ગુલામ હોય છે. જ્યારે તમે સત્તા વિનાની જવાબદારી સોંપો છો, ત્યારે માણસ ક્રૂર નથી બનતો, એ નિર્માલ્ય અને હતાશ બની જાય છે. એ બીજા પર હુકમ ચલાવવાને બદલે પોતાની જ અંદર ગૂંગળાવા લાગે છે. વ્યવસ્થા એને આગળ ધરે છે જેથી નિષ્ફળતાનો ટોપલો એના માથે ઢોળી શકાય.

આપણા દેશના ક્રિકેટમાં આ દ્રશ્ય વારંવાર જોવા મળે છે. ટીમનો કેપ્ટન મેદાન પર ઊભો હોય ત્યારે આખી દુનિયા એને સર્વેસર્વા માને છે. પત્રકારો એના વ્યૂહ પર સવાલો પૂછે છે. હાર થાય એટલે ટીકાકારો એનું માથું માગે છે. પણ ડ્રેસિંગ રૂમની અંદરની વાસ્તવિકતા જુદી હોય છે. પ્લેઇંગ ઇલેવનની પસંદગી સિલેક્ટર્સ કરે છે. પીચ કેવી બનશે એ બોર્ડના બાબુઓ નક્કી કરે છે. સ્પૉન્સરશિપ અને કમર્શિયલ શિડ્યુલ અન્ય લોકો ગોઠવે છે. કાગળ પર એ કેપ્ટન છે, પણ મેદાનની બહાર એ સાદો કેદી છે. જેને માત્ર બહારના પ્રહારો ઝીલવા માટે કમાન સોંપાઈ છે.

જ્યાં સત્તા વગર હોદ્દાનું લેબલ ચોંટાડવામાં આવે, ત્યાં હંમેશાં પતનની શરૂઆત થાય છે. કંપનીઓમાં આવા લોકોને પ્રોજેક્ટ લીડર કહે છે, ઘરમાં મોટેરો દીકરો કહે છે અને રાજકારણમાં કઠપૂતળી કહે છે. તાકાત આપ્યા વિના માત્ર મુગટ પહેરાવી દેવો એ સન્માન નથી, એક સુસંસ્કૃત જેલ છે.

જેના હાથમાં ચાવી ન હોય, એને જેલર બનાવવો એ સજા આપવાનો સૌથી સસ્તો રસ્તો છે.

વિચારનાં હથિયાર
← પહેલું પ્રકરણઊલટું આયોજનઆગલું પ્રકરણ →ઊંધો નિયમ